Sunday, February 6, 2011

મહેન્દ્રસિંહ પઢિયાર 'મરમી'

શબ્દ  સામે તરફડે  જ્યાં,  ત્યાં ગઝલ સર્જાય  છે, 
આગ ભીતર ભડભડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
એ શીલા પાછી અહલ્યા થૈ જવાની સ્પર્શથી,
રામનાં ચરણો અડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
 
દૂર જોજન   હો  ભલે,   પણ  ઠેસ વાગે જો તને, 
ફાલ મુજ  હૈયે પડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
 
પીઠ પર  બેસી જશે   વૈતાળ  માફક  કાફિયા, 
વિક્રમી અર્થો જડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
 
કિમતી હીરા સરીખા શબ્દ  'મરમી'  છે  બધા,
ઘાટ સુંદર સાંપડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે 
 
(૨)
જાતનો   આધાર  લઇ  બેઠા રહ્યાં,
હું  પણાનો   ભાર  લઇ  બેઠા રહ્યાં.
 
જિંદગી  ભાર ના  થયા બે  પાંદડે,
વ્યર્થ આ વ્યવહાર લઇ બેઠા રહ્યાં.
 
બૂંગિયો ક્યારેય  પણ  વાગ્યો નહીં,
હાથમાં તલવાર લઇ બેઠા રહ્યાં.
 
સૂર  વીણામાં   ન  પ્રગટાવી શક્યા,
સાવ  ખોટો  તાર  લઇ  બેઠા  રહ્યાં.
 
છોડવું  પડશે  બધું  'મરમી'  છતાં,

આપણે   ઘરબાર  લઇ  બેઠા  રહ્યાં.
(કવિના તાજેતરમાં પ્રકાશિત સંગ્રહ  'લય શિલ્પ' માંથી) 

2 comments:

  1. સ્થિર જળ સાથે અટકચાળા ન કર
    કાંકરા નાખીને કુંડાળા ન કર

    લોક દિવાળી ભલે ને ઉજવે
    પેટ બાળીને તું અજવાળા ન કર

    આજથી ગણ આવનારી કાલને
    પાછલા વરસોના સરવાળા ન કર

    ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
    ઈંટને તોડીને ઢેખાળા ન કર

    થઇ શકે તો રૂબરૂ આવીને મળ
    ઊંઘમાં આવીને ગોટાળા ન કર

    છે કવિતાઓ બધી મોઢે મને
    મારી મિલકતના તું રખવાલા ન કર

    ReplyDelete
  2. આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબ,
    આપે પ્રતિભાવમાં મારા પરમ મિત્ર અને કવિશ્રી ખલીલ ધનતેજવીની ગઝલ મૂકી છે, તે જોઇને આનંદ થયો... આપ 'મર્મવેધ'નાં ફોલોવર્સ બન્યા તે માટે આભારી છું. - પંકજ ત્રિવેદી

    ReplyDelete