Wednesday, February 23, 2011

સાંજ : મનોહર ત્રિવેદી


ખરતાં પીંછાં જેવા લયમાં સાંજ ઊતરતી જાય -
 
કોઈ વીરડામાંથી છેલ્લો ઘૂંટ ભરી
ગાડાને કેડે સરસર સરતી જાય-
 
અને ખેડુના ડચકારાના તાલે પડતી ખરીઓ
પૈડાંના રવથી ઘૂઘવતો રહે ધૂળનો દરિયો
 
અધારાંનું ધણ છૂટ્યું ને
ગોરજટાણું ગામ શેરીએ રહી રહી ઊભરાય -
 
ખેતરનાં ડૂંડેથી ઊડ્યું ભરર આભનું ટોળું
ટગર ટગર લોચન પીતાં હું આખ્ખે મારગ કોળું
 
લહેરાતી આ હવાસમી વાતુંના ટહુકા
પાદરાના નાકામાં થઈને ફળિયામાં છલકાય -
 

No comments:

Post a Comment