Saturday, March 19, 2011

રંગ પર્વ - તરૂણ જાની


   


 આજ આવી છે ધૂળેટી રંગ છાંટે
પર્વ આ મૈત્રી તણું લે રંગ છાંટે

લાલ લીલો વાદળી એ રંગ છાંટે
વાયરાની સંગ ભીનો રંગ છાંટે

લોક ટોળે જો  મળે  ને રંગ  છાંટે
માનવી ભીતર છલકતો રંગ છાંટે

ભીંજવું હું એમ કેતો રંગ છાંટે
ખુદ ભીંજાતો રહે ને રંગ છાંટે

રોળતો ભેરુ બનીને રંગ છાંટે
ચોળતો ગુલાલ મોઢે રંગ છાંટે

છે પરાયો તોય પાછો રંગ છાંટે
થાય ભેરુ ને પછી તો રંગ છાંટે

વાટ જોતો પ્રીતની ને રંગ છાંટે
ભાળતો એવો બહેકે રંગ છાંટે

પિચકારી લઇ ભરીને રંગ છાંટે
કાન રાધા થઇ હવે જો રંગ છાંટે

કેસુડે  જોને  મહેકે  રંગ છાંટે
ભવ તણો એ સંગ ભીંજે રંગ છાંટે




Saturday, March 12, 2011

૧૦ - મોનોઇમેજ -રક્ષિત દવે

 
૧.
આજે કેટલાય 
સમદુઃખીયા
સમસુખીયા બની
કરે છે ઉજાણી
વૃદ્ધાશ્રમે !
  
૨.
એકનાએક
દેવના દીધેલને
મહેલોની આશિષ
દે છે
માં-બાપ
રહીને
વૃદ્ધાશ્રમે !
 
૩.
જીવવું તો
ખુમારીથી
એથી જ તો
બધું છોડી
આવી ગયા
અમે
વૃદ્ધાશ્રમે !
 
૪.
મળવું છે 
ખરેખર
તમારે
દાદા-દાદીને ?
તો
જાઓ
વૃદ્ધાશ્રમે !
 
૫.
મ્હારા
દાદા-દાદી ક્યાં ?
પૂછ્યું પપ્પાને
તો
જવાબ દીધો
પડોશીએ
વૃદ્ધાશ્રમે !
 
૬.
પુત્ર પ્રાપ્તિની
ખેવના
ક્યાંયે
જોવા ન મળી
વૃદ્ધાશ્રમે !
 
૭.
શું કરીશ બેટા !
થઈને મોટો ?
જવાબ મળ્યો
મૂકી આવીશ
દાદા-દાદીની જેમ
તમને
વૃદ્ધાશ્રમે !
૮.
ઘર વિહોણા
ઘરથી પણ સારું
જીવી રહ્યાં છે
વૃદ્ધાશ્રમે !
૯.
એ તો 
મકાન હતું
હવે
કૈંક
લાગે છે
"ઘર" જેવું
વૃદ્ધાશ્રમે !
 
૧૦.
ગૃહે
જે અપેક્ષાઓ
પૂરી થઇ ના શકી
તે
સઘળી
પૂરી થઇ રહી છે
વૃદ્ધાશ્રમે !




Sunday, March 6, 2011

પ્રેમ પથ....! - પંકજ ત્રિવેદી

 
હું જાણું છું -
                                                  તું નહીં દોડી શકે મારી સાથે
મારો ઉત્સાહ, રોમાંચ અને મારાં
તોફાનો....
તું ભલે ને દૂર રહે જોજનો
મારાં પ્રેમમાં રહેલી નિર્દંભતા,
નિર્દોષતા ને નિર્ભેળતા
હું ચાહું તને મુગ્ધભાવે, પાગલ બની
પ્રેમવશ સ્પર્શું તને !
તું ક્ષોભવશ
ચાહ્યાં કરે મૌન બની, ધીરજ ધારી
વાત્સલ્યની મૂર્તિ બની...
આપનો માર્ગ એક જ આ
પ્રેમ પથ ......



Friday, March 4, 2011

ચાલ ફરીને મળીએ - પુનિત રાવલ

 
ચાલ ફરીને મળીએ,
ખોબે ખોબે જળ ઉલેચી મન સાગરના તળિયે.....ચાલ ફરીને મળીએ.
ખુલ્લી આંખે,
ખુલ્લી પાંખે,
ક્યાં દેખાયું, ક્યાં પહોંચાયું , હજુએ ક્યાં સમજાયું,
લડતા રહીને,
પડતા રહીને,
તરફડતી આ જાત યુગોથી શાને ? હજુએ ક્યાં સમજાયું.
હવે અનુભવ કેવળ દર્પણ, ત્યાં જઈને ઝળહળીએ......ચાલ ફરીને મળીએ.
રોજ વરસતા,
રોજ તરસતા,
હોઠપણાનું પોકળ ઊંચકી જાત પલળવા ઝંખે,
સોળ વરસના,
સોળ તરસના,
ઢોલપણાનું વાદળ ઊંચકી જાત ધબકવા ઝંખે,
શક્ય હશે તો આજ પલળશું, કાલ ધબકશું, એકમેકને ફળીએ....ચાલ ફરીને મળીએ.