Sunday, January 30, 2011

બે ગઝલો : લક્ષ્મી ડોબરિયા

()                                                     રણની સાથે સૂર્ય પણ સંમત હશે !
ઝાંઝવાની   એટલે   રંગત  હશે !
પાંદડાએ   સંભાળી    તોલે   વળી,
પાનખરની વાત અંગત હશે !
ને હકીકત થઈને જ્યાં સપનું ઊગે,
ત્યાં સમય - સંજોગની સંગત હશે !
સાચવે   છે   કેટલી  નમણાશથી;
ઓસ   બિંદુ   ઘાસની   સંપત  હશે !
છીપ  દઈ,   મોજાંને  દરિયાઈ કહ્યું;
જા,   કિનારે   ફીણની  પંગત  હશે !

()
દિલથી વધાવી લે અગર થોડી-ઘણી
તો  વાતની  થાશે  અસર  થોડી-ઘણી
સંભાવના   મેં   સોળ  આનાની  કરી,
ને  ખીલવી  છે  પાનખર  થોડી-ઘણી
અંતે  ખુશીએ  ખુશ  થઇ આપ્યું વચન,
 આવશે  અવસર ઉપર થોડી-ઘણી
મેં  વાતને  વહેતી  કરી  કાગળ ઉપર,
 પી  ગઈ તરસી  નજર   થોડી-ઘણી

Saturday, January 29, 2011

લો ફરી એક રૂપાળી સાંજ ઢળી : સરલા સુતરીયા

ગગન ના માંડવા તળે
લો ફરી એક રૂપાળી સાંજ ઢળી,

સાજન સપને મહેકી રહ્યા
લો ફરી એક નશીલી રાત ઢળી,

મધુમાલતી નો માંડવો
ને જાઇ જુઈ પણ છલકી,
...
 છલક છલક મદમાતી
 લો ફરી એક મદિલી રાત ઢળી

 મહેકી ઉઠ્યું અંતરીયું
ને મહેક્યો મન સમીર,

 ઓલી રાત ઢળી મન ગહેકે
જાણે છલકી ઉઠ્યો તિમિર.....

Wednesday, January 26, 2011

પુનિત રાવલ

મેં ચીસ પાડી.... "મને મારું  શરીર જોઈએ."  *
તેઓ કહે.... 
          "ચાલો અમારા તકિયા પર માથું મૂકો."  *
                   *  "
આપણે સ્વપ્ન સાથે જોઈશું."  *
                         


   *  મેં માથું મૂકવા ના પાડી.  *
* મને ખબર છે...મારા પૂર્વજોએ હા પાડી હતી.*
        *  '
ને /  
છેદાઇ ગયા હતા મસ્તક તેમના.  *
               * 
મને મારું સ્વપ્ન જોઈએ.  *
              *
હું મારો તકિયો શોધી રહ્યો છું.  *


સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'

સુરસિંહજી તખ્તસિંહજી  ગોહિલ  એટલે  આપણાં  સૌના  પ્યારા  કવિશ્રી  'કલાપી'ની આજે જન્મ તિથી છે.

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની...  
  

Tuesday, January 25, 2011

પ્રજાસત્તાક દિન અને પદ્મશ્રી એવોર્ડ શુભેચ્છાઓ

  પદ્મશ્રી ડૉ. પ્રवीણ દરજી  

(કવિ, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, વિવેચક, સંપાદક, સંશોધક)
'મર્મવેધ' અને સમગ્ર ગુજરાતી ભાષા પ્રેમીઓ તરફથી ડૉ. પ્રવિણ દરજીને "પદ્મશ્રી એવોર્ડ" થી સમ્માનિત થવા બદલ ગૌરવની લાગણી સાથે હાર્દિક શુભાકામાનાઓ.  જય જય ગરવી ગુજરાત.
એમની સાથે જ એવોર્ડ પ્રાપ્ત કરનાર  અન્ય ગુજરાતીઓમાં - હોમાઈ વ્યારાવાલા-પદ્મવિભૂષણ (કળા- ફોટોગ્રાફી), સ્વ.દશરથ પટેલ-પદ્મભૂષણ (કળા), કનુભાઈ ટેલર-પદ્મશ્રી (સામાજિક કાર્ય), ડૉ. મહેશ મહેતા- પદ્મશ્રી (કૃષિ વિજ્ઞાન) ને પણ સૌ ગુજરાતીઓની શુભેચ્છાઓ.  
“હા, મિત્રો ! જીવનને વિરાટ-વિશાળ કલ્પનાઓથી ભરી ન દેશો. કારણકે આપણે બદલાઈ ગયા છીએ, સમય બદલાઈ ગયો છે. સાચું પૂછો તો જરાક અમથું આપણું આ આયખું છે. ચપટી એક સમય આપણને મળ્યો છે. એમાં કલ્પના જરૂર કરીએ, પણ કલ્પનાઓય આપણા ગજા પ્રમાણેની.  ”- ‘ ડાળ એક, પંખી બે’ માંથી
"વહીવંચા કરી ભૈ તેં ભારે કમાલ
હવે થાય છે કે પ્રવીણની પ્રવીણ શી આપે ઓળખ ?
ઉછીના વસ્ત્ર જેવું કોઇકે આપ્યું એને નામ.”
પ્રેરક અવતરણ -
"અભિભવ અમારો, તવ યશ.” – રાજેન્દ્ર શાહ
__________________________________________
સમ્પર્ક    -     ફુવારા પાસે, લુણાવાડા – 389 230 જિ. પંચમહાલ
જન્મ : 23 – ઓગસ્ટ, 1944;  મહેલોલ જિ. પંચમહાલ
કુટુમ્બ : માતા – ચંચળબેન ; પિતા – શનિલાલ
 • પત્ની -રમીલા ( લગ્ન – 1967, હાલોલ) ; સંતાનો – એક પુત્ર, બે પુત્રીઓ
અભ્યાસ
 • 1961- એસ.એસ.સી.
 • 1965- ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.
 • 1967- એમ.એ.
 • 1973- પી.એચ.ડી.
વ્યવસાય
 • 1965-67 મોડાસા કોલેજમાં અધ્યાપક
 • 1967 થી નિવૃત્તિ સુધી – લુણાવાડા કોલેજમાં અધ્યાપક
જીવનઝરમર
 • ચાર ભાષા ઉપરાંત બંગાળી અને મરાઠીથી પરિચિત
 • પ્રથમ મૌલિક પ્રકાશન- ‘ચીસ’ કાવ્યસંગ્રહ
 • શરુઆતમાં પુરુષોત્તમ માવળંકરના ‘અભ્યાસ’માં રચનાઓ પ્રકાશિત થતી.
 • તેજસ્વી અભ્યાસ કારકીર્દિ- કોલેજકાળમાં ‘હરતી ફરતી કોલેજ લાયબ્રેરી’ ગણાતા
 • સાહિત્ય અને અધ્યાપનના પ્રેમને કારણે આચાર્યપદ જતું કર્યું.
 • ‘અરવરવ’ નું સંપાદન
 • રેડીયો અને ટીવી પર વાર્તાલાપ આપેલા છે.
 • હાલ  ‘શબ્દસૃષ્ટિનો તંત્રીલેખ લખે છે.
શોખ
 • ઘણી લલિત કળાનો આસ્વાદ લેવાનો
રચનાઓ  -  ૧૧૩ -જેટલાં પુસ્તકો
 • કવિતા – ચીસ, ઉત્સેધ
 • નિબંધ - અડખેપડખે,  લીલાં પર્ણ, ડાળ એક પંખી બે
 • ચરિત્ર – ચંદનના વૃક્ષ
 • સંશોધન – નિબંધ – સ્વરૂપ અને વિકાસ
 • વિવેચન – સ્પંદ, ચર્વણા, દયારામ, પ્રત્યગ્ર, પશ્ચાત્, નવલકથા સ્વરૂપ, લલિત નિબંધ
 • સંપાદન -ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, શબ્દશ્રી, ગદ્યસંચય -2
સન્માન : ૧૫-સુવર્ણ ચંદ્રકો સાથે..
 • વિઠ્ઠલભાઇ પટેલ સુવર્ણચંદ્રક
 • કાકાસાહેબ કાલેલકર પારિતોષિક
 • સંસ્કાર એવોર્ડ
 • હરિ ૐ આશ્રમનું પારિતોષિક
 • પદ્મશ્રી- ૨૬, જાન્યુઆરી, ૨૦૧૧
સાભાર : સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન(ગુજરાતી સાહિત્યકો–ખંડ–૨)

Monday, January 24, 2011

મીરા આસિફ

 (૧)    આવે છે 
મારી તલાશ કરવા આવે છે કોણ પાછું?
ચરણોમાં ફૂલ ધરવા આવે છે કોણ પાછું?

જીવનની મેલી ચાદર સંકેલવા મથું છું,
ફિઝામાં રંગ ભરવા આવે છે કોણ પાછું?

ગુમનામ આદમીના અવશેષ ક્યાં મળે છે,
વિધિના લેખ લખવા આવે છે કોણ પાછું?

ચંદન સરીખું  મહેંકે  મીરાંના રાજગઢમાં
મહેફિલને મસ્ત કરવા આવે છે કોણ પાછું?

મેવાડની ગલીમાં પગલાંની શોધ ચાલે,
'મીરા'ને આજ મળવા આવે છે કોણ પાછું?


(૨)  સતત પડઘાય છે !

કોણ આવે કોણ પાછું જાય છે?
ખેલ આદિ કાળથી ખેલાય છે !

ભેદ ક્યારે ખૂલશે કોને ખબર?
કોણ મારામાં સતત પડઘાય છે !

ઊંટના પગલાં મહીં રણ ડૂબશે,
એજ કારણ ઝંઝાવા છલકાય છે !

વારતાનો અંત કંઈ જુદો હતો,
 કથાનક લોકમાં ચર્ચાય છે !

એક માણસ થઇ ગયો કમબખ્ત જો,
ત્યારથી શૈતાન પણ ગભરાય છે !

કેમ  હું  સાબિત  કરું  મીરાં પણું ?
કામલી ઓઢીને તું હરખાય છે !

એકલા ગમતું નથી આસિફને ,
બંધ ઘરમાં કોઈ આવી જાય છે !

વડવા બાપેસરા કૂવા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૧
મોબાઈલ : ૯૨૭૫૦-૬૨૬૪૦

Saturday, January 22, 2011

પંકજ ત્રિવેદી

(૧)
ટમટમતાં તારલાઓ 
તારી આંખ છે
જાણું છું
તેં ક્યાં કદી
દિવસે નિહાળ્યો છે મને !
(૨)
તું મને સૂરજ કહેતી
'ને હું તને ચાંદની
તો પણ
કેવું જીવી રહ્યાં છીએ
આપણે !
(૩)
તારાઓ તોડીને લાવવાનું 
મેં કદી કહ્યું નથી
તેં કદી
મોતીડાં પરોવ્યા નથી
શીદ નકામી ઝબકતી હશે
 આમ વીજળી !!
(૪)
કોઈ કહેતું 
નીહારીકાઓ વચ્ચે
ચંદ્ર જ શોભે !
કેમ સમજાવું તને હું ? -
અહીં કોણ સમજે છે
નિહારિકાઓને
ચંદ્રથી વધુ?
(૫)
મોક્ષ બનીને 
ખરી પડે છે તારલો 
હું તો
જીવું છું જ
મોક્ષ પછીનું....!! 

Friday, January 21, 2011

ડૉ. જયરાજ દેસાઈની પાંચ રચનાઓ

                  પ્રણયગીત
ક્ષણોની સંવાદિતા ત્યાગીને સદીઓના લીધા કાં અબોલા ?
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
ભીની છમ્મ લાગણીઓની મોસમ છે ને કેમ કરી રહેશો તમે કોરાં ?
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
કમખાની તૂટતી કસોના કારણમાં હણહણતાં કામનાના ઘોડા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
ભવોભવની ભાવ ના ભાતાં બાંધીને હવે ખાશો ના અધવચ્ચે પોરાં,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
શરમના શેરડે સજાવેલી આંખોથી અળગા કરો મૂંઝવણના મ્હોરાં,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
આયખાની અધૂરપ ઉરે ઝાલીને ઊર્મિના આંગણે પડાય ના મોડા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
મનના મંદિરિયે માંડેલી મૂરતના શોભે ના સામૈયા આમ મોળા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
          અફવા
વાત દરિયાની કરી છલકાય છે,
નદી મનોમન તો સદા શરમાય છે.
મ્હોરવા લાગી છે આરત ભીતરે,
ઉર અમારું ત્યારથી તરડાય છે.
શું ભલા નાથી નકારો છો આપ,
ઘોષણા હાની ચોમેર ગજવાય છે.
ચોતરફ છે જાદુઈ દર્પણ અહીં,
બિંબથી સરકીને ક્યાં છટકાય છે.
રાજનહીં આવી શકે તો શું થશે?
એક અફવા આજથી ફેલાય છે.

તને ખબર નહી હોય
પણ તું સુઈ જાય છે ત્યારે
હું ચુપકેથી તારી પાંપણો નીચે
સરકી જાઉં છું….!
પછી આંખોમાંથી હળવેકથી
તારાં  હૃદયમાં પ્રવેશી જાઉં છું….!
બહારની કોલાહલ ભરેલી
મુક્ત દુનિયા કરતાં
તારાં હૃદયની
બંધ દિવાલોમાં જીવવું
મને વધારે પસંદ છે….!?

          ચમેલી
પરબિડિયે લાગણી બીડી હતી,
પત્ર સાથે પાંખડી પીળી હતી.
આંખના અનરાધાર ખૂટી પડ્યા,
અંતરે તો હેતની હેલી હતી.
દેહનું ભુવન છોને ખળભળે,
શેષને શીશ ક્યાં ખીલી હતી ?
જિંદગીના દાખલે ના શેષ વધી,
રકમ જ જ્યાં ખોટી મેલી હતી !
રાજના જનાજે સૌ મ્હેંકી ઊઠ્યા,
છાતીએ ચોપડેલ ચમેલી હતી.

વહેલી સવારે
મારા દરવાજે પડ્યા ટકોરા
લાગ્યું કે તું જ હોઈશ !
ઝટ દઈને દોડતાંક ને
દરવાજો ખોલ્યોતો
કોઈ નહોતું….. કોઈ જ નહીં !!
પણ તારી સુગંધનો દરિયો
ક્ષણવારમાં ઘૂઘવતાં પૂરરૂપે
મારાં સમગ્ર અસ્તિત્વનાં
જરીપુરાણા માળખાંને
હચમચાવી ગયો !!!
આંખો ખૂલી ને જોયું તો..
મારી એકલતાનો તડકો
માથોડા જેટલો ઊંચે
ચઢી ગયોતો !
સપનું હશે કદાચ…!
કદાચ સપનું જ હતું… !?!