Thursday, January 20, 2011

ગુજરાતી સાહિત્યના યુગકવિ ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દી નિમિત્તે

(૧) વિશ્વશાંતિ
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છેપંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં !
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની !
જીવો તણી કાય મૂંગી કપાય છે !
                   કલેવરો કાનનનાં ઘવાય છે !

(૨) ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણાવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારાફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
(ગંગોત્રી-ઓગસ્ટ-૧૯૩૨)  

No comments:

Post a Comment