Monday, January 24, 2011

મીરા આસિફ

 (૧)    આવે છે 
મારી તલાશ કરવા આવે છે કોણ પાછું?
ચરણોમાં ફૂલ ધરવા આવે છે કોણ પાછું?

જીવનની મેલી ચાદર સંકેલવા મથું છું,
ફિઝામાં રંગ ભરવા આવે છે કોણ પાછું?

ગુમનામ આદમીના અવશેષ ક્યાં મળે છે,
વિધિના લેખ લખવા આવે છે કોણ પાછું?

ચંદન સરીખું  મહેંકે  મીરાંના રાજગઢમાં
મહેફિલને મસ્ત કરવા આવે છે કોણ પાછું?

મેવાડની ગલીમાં પગલાંની શોધ ચાલે,
'મીરા'ને આજ મળવા આવે છે કોણ પાછું?


(૨)  સતત પડઘાય છે !

કોણ આવે કોણ પાછું જાય છે?
ખેલ આદિ કાળથી ખેલાય છે !

ભેદ ક્યારે ખૂલશે કોને ખબર?
કોણ મારામાં સતત પડઘાય છે !

ઊંટના પગલાં મહીં રણ ડૂબશે,
એજ કારણ ઝંઝાવા છલકાય છે !

વારતાનો અંત કંઈ જુદો હતો,
 કથાનક લોકમાં ચર્ચાય છે !

એક માણસ થઇ ગયો કમબખ્ત જો,
ત્યારથી શૈતાન પણ ગભરાય છે !

કેમ  હું  સાબિત  કરું  મીરાં પણું ?
કામલી ઓઢીને તું હરખાય છે !

એકલા ગમતું નથી આસિફને ,
બંધ ઘરમાં કોઈ આવી જાય છે !

વડવા બાપેસરા કૂવા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૧
મોબાઈલ : ૯૨૭૫૦-૬૨૬૪૦

2 comments:

  1. સરસ રચનાઓ. પહેલી ગઝલનો મક્તાનો શેર અને બીજી ગઝલનો મત્લાનો શેર વિશેષ ગમ્યાં.

    ReplyDelete
  2. સુંદર ગઝલદ્વયી...

    ReplyDelete