Tuesday, February 15, 2011

ગૌરાંગ ઠાકર

(1)   પડાવ લાગે છે
 
ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે.
 
જ્યારથી તેં નજરમાં રાખ્યો છે,
આયનામાં   પ્રભાવ   લાગે   છે.
 
ખીણ પડઘા જ ભૂલવા માંડી,
પ્હાડથી અણબનાવ લાગે છે.
 
ઊગવું  મુજમાં  ને  મને  છળવું !
સ્વપ્ન ! તારો સ્વભાવ લાગે છે.
 
તારું રોકાણ ક્યાં છે કાયમનું ?
જિંદગી  તું    પડાવ    લાગે   છે.
 
 
(2)  મારા હિસ્સાનો સૂરજ 
 
મારા હિસ્સાનો સૂરજ જો અંધારે અટવાઈ જશે તો?
નીકળું ઘરથી ફાનસ લઈને રસ્તામાં બુઝાઈ જશે તો?
 
ઈશ્વર નામે ગોળો ગબડ્યો ને માણસ મળવાથી શું?
અડધે રસ્તે હાંફી જઈને શ્રદ્ધાથી બોલાઈ જશે તો?
 
સિક્કો સોંપી દઈને પાછું રમવાનું પણ છાપ પ્રમાણે,
રમતાં-રમતાં મારો સિક્કો તાથી ખોવાઈ જશે તો?
 
ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?
દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો?
 
પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર પણ,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો?
 
માથે મૂકી જાત અમે સૌ પાદર લગ તો પહોંચ્યા છીએ,
ઝાંખું પાંખું ઘર દેખાયું પણ મારગ લંબાઈ જશે તો?

No comments:

Post a Comment