Saturday, April 9, 2011

છપ્પા - અખો ભગત


અખો ભગત :  (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ-છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ(ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈએટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણેઅખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદઅનેઅનુભવબિંદુજેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે. તિલક  કરતાં  ત્રેપન વહ્યાં,  ને  જપમાળાનાં  નાકાં  ગયાં;
  તીરથ ફરી ફરી થાકયાં ચરણ
, તોય ન પહોંચ્યો હરિને શરણ;
  કથા
સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

  એક મૂરખને એવી ટેવ
, પથ્થર એટલા પૂજે દેવ;
  પાણી દેખી કરે સ્નાન
, તુલસી દેખી તોડે પાન;
  તે તો અખા બહુ ઉત્પાત
, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

  જો જો રે મોટાના બોલ
, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
  અંધ અંધ અંધારે મળ્યા
, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી
, કહે અખો એ વાતો અમે જાણી.

 (ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી       બી   પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

દેહાભિમાન હૂતો પાશેર
, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો
, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય
, આત્મજ્ઞાન મૂળગું ખોય.

(
પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )

સસાશિંગનું વહાણ જ કર્યું
, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા
ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા
, અખા હમણાં ને આગળ એવા હતા.

(
સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)

આંધળો સસરો ને સરંગટ વહુ
, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું
, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક
, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

(
સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )
 

3 comments:

  1. છંદબધ...સરસ..નવાઇ લાગ્યા કરે કે એલોકોને શિક્ષણનિ પણ જરૂર ન હ્તી અને કેતલી આસાનીથી કહેવુ હોય તે કહેતા..
    સપના

    ReplyDelete
  2. awesome. gyanyogi kavi. tamne akha ni book na koi publisherni khabar che?
    shree.dhuliya@gmail.com

    ReplyDelete