Thursday, January 20, 2011

ગુજરાતી સાહિત્યના યુગકવિ ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દી નિમિત્તે

(૧) વિશ્વશાંતિ
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છેપંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં !
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની !
જીવો તણી કાય મૂંગી કપાય છે !
                   કલેવરો કાનનનાં ઘવાય છે !

(૨) ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણાવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારાફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
(ગંગોત્રી-ઓગસ્ટ-૧૯૩૨)  

Tuesday, January 18, 2011

રાજ લખતરવી


(1)
હું તને તારવા નહીં બેસું
નાવમાં ખારવા નહીં બેસું
તું કહે તો કહીશ બે શબ્દો
વાત વિસ્તારવા નહીં બેસું
કંસ સાથે લડી લઈશ જાતે
 એને અવતારવા નહીં બેસું 
   ધારણાનો વિષય નથી શ્રદ્ધા 
  હું કશું ધારવા નહીં બેસું
  આજ વેશે હું 'રાજ' ત્યાં આવીશ
   જાત શણગારવા નહીં બેસું !

                           (2) 
શ્વાસનો છંદ સહેજ  તૂટે છે
આ હવામાં કશુંક ખૂટે છે
નોખી નોખી ઢબે લખી લોકો
એકનું એક નામ ઘૂંટે છે
મયકદા એનું બાગની વચ્ચે
મયકશો બેઉ રંગ લૂંટે છે
પકડી પકડીને પાય છે ત્યાં પણ
સ્વર્ગમાં ક્યાં શરાબ છૂટે છે?
થાય છે મન પ્રથમ તો ઊડવાનું
એ પછી 'રાજ' પાંખ ફૂટે છે




Sunday, January 16, 2011

માણસ અને ફૂલ : શમશાદ ઈલાહી અન્સારી "શમ્સ"



                  એક મુસાફરની રસ્તે જતાં રંગબિરંગી ફૂલો પર નજર પડી.  થોડીવાર એ એને  નિહાળતા આગળ વધતો ગયો.

                  વસંતની ઋતુમાં જાત જાતનાનાના-મોટા બહુ સુંદર ફૂલો  જાણે કે એ માધ્યમથી  ધરતીનું  યૌવન અહીં- તહીં પ્રગટ થઈ રહ્યું છે. 

                  રસ્તામાં એક મોટા સુંદર ફૂલને એ માણસે જોયું, પોતાને રોકી શક્યો નહીં વિચારતો હતો કે મને આ ફૂલે કેટલો મુગ્ધ કર્યો છેકેટલો આનંદિત કરી દે છે એક ખીલેલું   ફૂલફૂલને તો પૂછું કે એને હું કેવો લાગું છું ?

                  એ માણસે એ સૌથી સુંદર ફૂલને પકડીને પ્રશ્ન કર્યો.

                  ફૂલ પ્રશ્ન સાંભળીને અચંબિત થઈ ગયુંકરમાઈને સૂકાઈ ગયું,  એની એક એક પાંખડી તૂટીને હવામાં ઊડી ગઈ. 
                                                                     (અનુવાદ:પંકજ ત્રિવેદી)    

 126 blackfoot trail, Mississauga, ON
  shamshad66@hotmail.com

Friday, January 14, 2011

ઝૂકી શકતો નથી... વીરેન્દ્ર આચાર્ય

વાત લીધેલી મૂકી શકતો નથી હું,
એ ગમે તે હો ઝૂકી શકતો નથી હું.
લાગણીની તું કબર ખોદી શકે પણ,
ધૂળ એ પરની ફૂંકી શકતો નથી હું.
તું દિલાસો દઈને ગુસ્તાખી કરે છે,
કોઈપણ રીતે ડૂકી શકતો નથી હું.
હું સમયની ક્યાં કદી પરવા કરું પણ,
ધ્યેય ધારેલું ચૂકી શકતો નથી હું.
શીશ ઉન્નત છે ગઝલના ગર્વથી આ,
એટલે જ્યાં ત્યાં ઝૂકી શકતો નથી હું.

Thursday, January 13, 2011

બી. કે. રાઠોડ "બાબુ"


આસમાની ઉમંગ જામ્યો છે,
ચોતરફ મસ્ત રંગ જામ્યો છે.
કેફ  એને ય હો  સુરાલયનો,
એમ મારો પતંગ જામ્યો છે.
છે ખુશીની બધે ય ચિચિયારી,
આજ મસ્તીનો જંગ જામ્યો છે.
આ ગુલાબી હવા પીળો તડકો,
સ્વાદ શું અંગ અંગ જામ્યો છે?
છે અબોલા જ જેમની સંગે,
પેચ એમની જ સંગ જામ્યો છે.

મકર સંક્રાંતિ (સંકલન)

                  હિંદુ ધર્મમાં પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. મકરસંક્રાંતિના પર્વને હંમેશાં ૧૪મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે તેને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર સામાજિક સમરસતાનું પર્વ છે. આખા ભારતમાં આ તહેવારને જુદી-જુદી પરંતુ અનોખી રીતે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં તેને મકરસંક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આસામમાં તેને હિબૂના નામથી ઓળખવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ અને દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સંકરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીચડી તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે.
                  સંક્રાંતિ કાળના મુખ્ય ત્રણ દેવતા છે. પહેલાં છે ભગવાન સૂર્ય, બીજા છે શિવજી અને ત્રીજા છે ધન રાશિના સ્વામી દેવોના ગુરુ બૃહસ્પતિ. લક્ષ્મી પ્રાપ્તિ તથા રોગોના નાશ માટે ભગવાન સૂર્ય, વિપત્તિઓ તથા શત્રુના નાશ માટે ભગવાન શિવ. યશ-સન્માન તથા જ્ઞાન, વિદ્યા વગેરેની પ્રાપ્તિ માટે દેવગુરુ બૃહસ્પતિની પૂજા સંક્રાંતિ કાળમાં ક્રમ મુજબ વિધિ-વિધાનપૂર્વક કરવી જોઈએ.
                  મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરવામાં આવે છે.  ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.
આ ઉત્સવ આપણાં જીવનને   સુખના  રંગોથી ભરી દે એવી શુભકામનાઓ.