Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Wednesday, April 27, 2011

ગ્રીષ્મનું શબ્દચિત્ર - કવીશ્વર દલપતરામ

 
 
ક્રોધમય કયા ધારી અરે આ આવે છે કોણ 
જેના અંગોઅંગમાંથી ઉપજાતિ ઝાળ છે;
ભૂત જેવી ભયંકર કિંકર  છે શંકરનો
કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે.

પયોધિના પાણીને ઉછાળતો પગની ઠેશે
વેષે જોતાં વધુ જેનું મહાવિકરાળ છે;
સરોવર સરિતાના સલિલને શોધી લે છે,
ક્રોધી મામો કંસ છે કે કિંવા ગ્રીષ્મ કાળ છે?

 

Thursday, April 7, 2011

પાણીનો આ ગોળો : કવિશ્રી મીનપિયાસી


   પાણીનો આ ગોળો  
   સાવ ભલો ને ભોળો !
                    પાણીનો આ ગોળો.
   જ્યાં બેસાડો ત્યાં બેસી રાગે - જાણે માનો ખોળો !
   રાતોમાતો થાતો જાતો, નહિ ફિક્કો કે ધોળો :
   ફૂલ્યોફાલ્યો નહિ સમાતો પેટે સાગર- પહોળો;
                                           પાણીનો આ ગોળો.
   માથે એને મુકુટ સુનેરી, ઉપર શોભે કળશ રૂપેરી,
   પાણી લેતાં રણકી ઊઠે, ગાજી ઊઠે ઘર ને શેરી,
   છલકી ઊઠે છોલ્યો,  એને  હૈયે  ચડે  હિલોળો;
                                
             પાણીનો આ ગોળો.
   અમી ભરેલું અંતર એનું અણુ  અણુમાં  ઝમતું,
   વાયુ-લહરનું  ટોળું એને ઝીલવા ફરતું રમતું,
   ભરી ભરીને પીઓ પિયાલા, શીદ નકામું ઢોળો?
                                   
         પાણીનો આ ગોળો. 
   પાણીપોચો ખૂબ  ટિપાયો,  જીવનચાકે  ઘાટ  ઘડાયો,
   ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકાયો, 
   પાકેલા એ આપવિતીના અનુભવે છે બહોળો

Saturday, March 12, 2011

૧૦ - મોનોઇમેજ -રક્ષિત દવે

 
૧.
આજે કેટલાય 
સમદુઃખીયા
સમસુખીયા બની
કરે છે ઉજાણી
વૃદ્ધાશ્રમે !
  
૨.
એકનાએક
દેવના દીધેલને
મહેલોની આશિષ
દે છે
માં-બાપ
રહીને
વૃદ્ધાશ્રમે !
 
૩.
જીવવું તો
ખુમારીથી
એથી જ તો
બધું છોડી
આવી ગયા
અમે
વૃદ્ધાશ્રમે !
 
૪.
મળવું છે 
ખરેખર
તમારે
દાદા-દાદીને ?
તો
જાઓ
વૃદ્ધાશ્રમે !
 
૫.
મ્હારા
દાદા-દાદી ક્યાં ?
પૂછ્યું પપ્પાને
તો
જવાબ દીધો
પડોશીએ
વૃદ્ધાશ્રમે !
 
૬.
પુત્ર પ્રાપ્તિની
ખેવના
ક્યાંયે
જોવા ન મળી
વૃદ્ધાશ્રમે !
 
૭.
શું કરીશ બેટા !
થઈને મોટો ?
જવાબ મળ્યો
મૂકી આવીશ
દાદા-દાદીની જેમ
તમને
વૃદ્ધાશ્રમે !
૮.
ઘર વિહોણા
ઘરથી પણ સારું
જીવી રહ્યાં છે
વૃદ્ધાશ્રમે !
૯.
એ તો 
મકાન હતું
હવે
કૈંક
લાગે છે
"ઘર" જેવું
વૃદ્ધાશ્રમે !
 
૧૦.
ગૃહે
જે અપેક્ષાઓ
પૂરી થઇ ના શકી
તે
સઘળી
પૂરી થઇ રહી છે
વૃદ્ધાશ્રમે !




Sunday, February 20, 2011

સરલા સુતરિયા

માઁ વસુઁધરા 
મમ જીવન સર્વ સમર્પણ
તવ ચરણ 
ઉંચા હિમાલય
ઉન્નત મસ્તક અમ ગૌરવ
તવ ચરણ
સપ્ત સાગર
લહેર લહેર ભરતી ઓટ
તવ ચરણ
વન ઉપવન
હરિત છાંય લીલીછમ
તવ ચરણ
 પવિત્ર ગંગા
વહે ઝરણ નિત્ય પખાળે
તવ ચરણ
વરસે વરસાદ
ખિલે મેઘ ધનુષ અર્પવા સૌંદર્ય
તવ ચરણ

Saturday, February 12, 2011

પલાશ - પંકજ ત્રિવેદી

વહે છે રગરગમાં 
વરસે છે ધખતો ધોમ
લૂ વાય ગ્રીષ્મ બની...
અરે !
રક્તકણો  કરે  હરિફાઈ કેવી? 
જામ્યો છે મધ્યાહ્ન, ગ્રીષ્મનો-
ભડભડ બળતી ત્વચા  'ને હોમાય
રઝળતી લૂ...
યજ્ઞ પ્રજ્વળે અંદર-બહાર,
શ્વાસ-ઉચ્છવાસમાં ... પળેપળ...
નીતરે છે આંખોમાંથી...
સૂના અંધકારમાંથી પ્રગટેલો
રતુંમડો, ઘૂંટાયેલો કસુંબલ જામ...
જામ્યો છે નશો બરાબર, શ્વેતશિખર સમ
રગેરગ ફાટફાટા થાય
કોઈ જુવાનડીના પ્રેમઘેલા હૈયા જેમ !
બેઠાં છે, સુખ-દુ:ખ તો લાચાર થઈને
જુએ છે ઓગળી રહેલા નીજત્વને....
ભીતર આખ્ખે આખ્ખું પલાશવન
એ કેશરિયો.....
એજ ભગવો રંગ.....
જાણે પલાશનું ઉપવન...!!

Thursday, January 20, 2011

ગુજરાતી સાહિત્યના યુગકવિ ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દી નિમિત્તે

(૧) વિશ્વશાંતિ
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી :
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં !
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની !
જીવો તણી કાય મૂંગી કપાય છે !
                   કલેવરો કાનનનાં ઘવાય છે !

(૨) ભોમિયા વિના
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી'તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણાવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
(ગંગોત્રી-ઓગસ્ટ-૧૯૩૨)