Showing posts with label ગઝલ. Show all posts
Showing posts with label ગઝલ. Show all posts

Thursday, June 2, 2011

સ્પર્શી હશે : દીપક ત્રિવેદી


 
    વરસાદ ભીની ઓઢણી સ્પર્શી હશે!
    એવી રીતે સૌ લાગણી સ્પર્શી હશે !
    નહીતર ધ્રુજે નહીં કાચનાં પૂતળાં બધાં
    ગરમા-ગરમ હીરાકણી સ્પર્શી હશે !
    કેમ કાળો- ધબ્બ ચહેરો થાય છે ?
    ઈચ્છા ઠગારી -વાંઝણી સ્પર્શી હશે !
    રાખ ઢગલાબંધ શ્વાસો-શ્વાસમાં
    આગજ્વાળાઓ ઘણી સ્પર્શી હશે
    તું દીપક લીલ્લો કદી હોતો નથી
    નક્કી તને વિષ-નાગણી સ્પર્શી હશે !

Saturday, May 21, 2011

ગઝલ - રાજ લખતરવી


અમે તો ક્યારના ડૂબી ગયા તો આ તારે છે શું?
અમારી નાવ છે  કે લાશ છે, આ આખરે છે શું?

વસાવ્યો છે અમે સૂરજ દિવસ ને રાત આંખોમાં,
છતાંયે આ  સિતારા  જેવું  આંખોથી ખરે  છે શું?

પથારીથી નથી ઊઠતો કડી મારો ય પડછાયો,
છતાંયે ઓરડામાં રાત આખી આ ફરે છે શું?

ફરીને ત્યાં જ આવું છું યુગોથી આમ અટકું છું,
નથી સમજાતું મુજને એજ, એના ઉંબરે  છે શું?

જવા દેતું નથી એ  બહાર  ફરવા પ્રાણ ને મારા,
ખબર પડતી નથી કંઈ 'રાજ' અને આંતરે છે શું?

Saturday, March 19, 2011

રંગ પર્વ - તરૂણ જાની


   


 આજ આવી છે ધૂળેટી રંગ છાંટે
પર્વ આ મૈત્રી તણું લે રંગ છાંટે

લાલ લીલો વાદળી એ રંગ છાંટે
વાયરાની સંગ ભીનો રંગ છાંટે

લોક ટોળે જો  મળે  ને રંગ  છાંટે
માનવી ભીતર છલકતો રંગ છાંટે

ભીંજવું હું એમ કેતો રંગ છાંટે
ખુદ ભીંજાતો રહે ને રંગ છાંટે

રોળતો ભેરુ બનીને રંગ છાંટે
ચોળતો ગુલાલ મોઢે રંગ છાંટે

છે પરાયો તોય પાછો રંગ છાંટે
થાય ભેરુ ને પછી તો રંગ છાંટે

વાટ જોતો પ્રીતની ને રંગ છાંટે
ભાળતો એવો બહેકે રંગ છાંટે

પિચકારી લઇ ભરીને રંગ છાંટે
કાન રાધા થઇ હવે જો રંગ છાંટે

કેસુડે  જોને  મહેકે  રંગ છાંટે
ભવ તણો એ સંગ ભીંજે રંગ છાંટે




Tuesday, February 15, 2011

ગૌરાંગ ઠાકર

(1)   પડાવ લાગે છે
 
ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે.
 
જ્યારથી તેં નજરમાં રાખ્યો છે,
આયનામાં   પ્રભાવ   લાગે   છે.
 
ખીણ પડઘા જ ભૂલવા માંડી,
પ્હાડથી અણબનાવ લાગે છે.
 
ઊગવું  મુજમાં  ને  મને  છળવું !
સ્વપ્ન ! તારો સ્વભાવ લાગે છે.
 
તારું રોકાણ ક્યાં છે કાયમનું ?
જિંદગી  તું    પડાવ    લાગે   છે.
 
 
(2)  મારા હિસ્સાનો સૂરજ 
 
મારા હિસ્સાનો સૂરજ જો અંધારે અટવાઈ જશે તો?
નીકળું ઘરથી ફાનસ લઈને રસ્તામાં બુઝાઈ જશે તો?
 
ઈશ્વર નામે ગોળો ગબડ્યો ને માણસ મળવાથી શું?
અડધે રસ્તે હાંફી જઈને શ્રદ્ધાથી બોલાઈ જશે તો?
 
સિક્કો સોંપી દઈને પાછું રમવાનું પણ છાપ પ્રમાણે,
રમતાં-રમતાં મારો સિક્કો તાથી ખોવાઈ જશે તો?
 
ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?
દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો?
 
પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર પણ,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો?
 
માથે મૂકી જાત અમે સૌ પાદર લગ તો પહોંચ્યા છીએ,
ઝાંખું પાંખું ઘર દેખાયું પણ મારગ લંબાઈ જશે તો?

Tuesday, February 8, 2011

વાતો કરે * ભરત વિંઝુડા


પાન લીલાં ઊગે છે ને પીળાં ખરે,
ઝાડમાં ઝાડ જન્મ્યાં કરે ને મરે !
પગથી માથા સુધી હું સળગતો રહું,
ને તને જોઉં તો માત્ર આંખો ઠરે !
એકબીજાના વક્તા ને શ્રોતા બને,
ચાંચ પર ચાંચ મૂકીને વાતો કરે ! 
મીણ જેવાં છીએ એ જ ભૂલી ગયાં,
એમ ભેટ્યાં કે છૂટ્યાં નહીં આખરે !
શીખવી છે કળા કોઈ એવી હવે,
જીવતાં થાય બે પંખી એક કાંકરે ! 







Sunday, February 6, 2011

મહેન્દ્રસિંહ પઢિયાર 'મરમી'

શબ્દ  સામે તરફડે  જ્યાં,  ત્યાં ગઝલ સર્જાય  છે, 
આગ ભીતર ભડભડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
એ શીલા પાછી અહલ્યા થૈ જવાની સ્પર્શથી,
રામનાં ચરણો અડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
 
દૂર જોજન   હો  ભલે,   પણ  ઠેસ વાગે જો તને, 
ફાલ મુજ  હૈયે પડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
 
પીઠ પર  બેસી જશે   વૈતાળ  માફક  કાફિયા, 
વિક્રમી અર્થો જડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
 
કિમતી હીરા સરીખા શબ્દ  'મરમી'  છે  બધા,
ઘાટ સુંદર સાંપડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે 
 
(૨)
જાતનો   આધાર  લઇ  બેઠા રહ્યાં,
હું  પણાનો   ભાર  લઇ  બેઠા રહ્યાં.
 
જિંદગી  ભાર ના  થયા બે  પાંદડે,
વ્યર્થ આ વ્યવહાર લઇ બેઠા રહ્યાં.
 
બૂંગિયો ક્યારેય  પણ  વાગ્યો નહીં,
હાથમાં તલવાર લઇ બેઠા રહ્યાં.
 
સૂર  વીણામાં   ન  પ્રગટાવી શક્યા,
સાવ  ખોટો  તાર  લઇ  બેઠા  રહ્યાં.
 
છોડવું  પડશે  બધું  'મરમી'  છતાં,

આપણે   ઘરબાર  લઇ  બેઠા  રહ્યાં.
(કવિના તાજેતરમાં પ્રકાશિત સંગ્રહ  'લય શિલ્પ' માંથી) 

Tuesday, February 1, 2011

ખલીલ ધનતેજવી


સ્થિર જળ સાથે અટકચાળા ન કર 
કાંકરા   નાખીને   કુંડાળા   ન  કર
 
લોક   દિવાળી  ભલે   ને     ઉજવે
પેટ  બાળીને તું  અજવાળા ન કર
 
આજથી ગણ આવનારી કાલને
પાછલા વરસોના સરવાળા ન કર
 
ક્યાંક પથ્થર  ફેંકવાનું  મન    થશે
ઈંટને    તોડીને    ઢેખાળા  ન  કર
 
થઇ  શકે  તો   રૂબરૂ  આવીને  મળ
ઊંઘમાં  આવીને  ગોટાળા  ન  કર
 
છે     કવિતાઓ   બધી   મોઢે      મને
મારી મિલકતના તું   રખવાલા  ન  કર

Sunday, January 30, 2011

બે ગઝલો : લક્ષ્મી ડોબરિયા

()                                                     રણની સાથે સૂર્ય પણ સંમત હશે !
ઝાંઝવાની   એટલે   રંગત  હશે !
પાંદડાએ   સંભાળી    તોલે   વળી,
પાનખરની વાત અંગત હશે !
ને હકીકત થઈને જ્યાં સપનું ઊગે,
ત્યાં સમય - સંજોગની સંગત હશે !
સાચવે   છે   કેટલી  નમણાશથી;
ઓસ   બિંદુ   ઘાસની   સંપત  હશે !
છીપ  દઈ,   મોજાંને  દરિયાઈ કહ્યું;
જા,   કિનારે   ફીણની  પંગત  હશે !

()
દિલથી વધાવી લે અગર થોડી-ઘણી
તો  વાતની  થાશે  અસર  થોડી-ઘણી
સંભાવના   મેં   સોળ  આનાની  કરી,
ને  ખીલવી  છે  પાનખર  થોડી-ઘણી
અંતે  ખુશીએ  ખુશ  થઇ આપ્યું વચન,
 આવશે  અવસર ઉપર થોડી-ઘણી
મેં  વાતને  વહેતી  કરી  કાગળ ઉપર,
 પી  ગઈ તરસી  નજર   થોડી-ઘણી

Monday, January 24, 2011

મીરા આસિફ

 (૧)    આવે છે 
મારી તલાશ કરવા આવે છે કોણ પાછું?
ચરણોમાં ફૂલ ધરવા આવે છે કોણ પાછું?

જીવનની મેલી ચાદર સંકેલવા મથું છું,
ફિઝામાં રંગ ભરવા આવે છે કોણ પાછું?

ગુમનામ આદમીના અવશેષ ક્યાં મળે છે,
વિધિના લેખ લખવા આવે છે કોણ પાછું?

ચંદન સરીખું  મહેંકે  મીરાંના રાજગઢમાં
મહેફિલને મસ્ત કરવા આવે છે કોણ પાછું?

મેવાડની ગલીમાં પગલાંની શોધ ચાલે,
'મીરા'ને આજ મળવા આવે છે કોણ પાછું?


(૨)  સતત પડઘાય છે !

કોણ આવે કોણ પાછું જાય છે?
ખેલ આદિ કાળથી ખેલાય છે !

ભેદ ક્યારે ખૂલશે કોને ખબર?
કોણ મારામાં સતત પડઘાય છે !

ઊંટના પગલાં મહીં રણ ડૂબશે,
એજ કારણ ઝંઝાવા છલકાય છે !

વારતાનો અંત કંઈ જુદો હતો,
 કથાનક લોકમાં ચર્ચાય છે !

એક માણસ થઇ ગયો કમબખ્ત જો,
ત્યારથી શૈતાન પણ ગભરાય છે !

કેમ  હું  સાબિત  કરું  મીરાં પણું ?
કામલી ઓઢીને તું હરખાય છે !

એકલા ગમતું નથી આસિફને ,
બંધ ઘરમાં કોઈ આવી જાય છે !

વડવા બાપેસરા કૂવા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૧
મોબાઈલ : ૯૨૭૫૦-૬૨૬૪૦

Tuesday, January 18, 2011

રાજ લખતરવી


(1)
હું તને તારવા નહીં બેસું
નાવમાં ખારવા નહીં બેસું
તું કહે તો કહીશ બે શબ્દો
વાત વિસ્તારવા નહીં બેસું
કંસ સાથે લડી લઈશ જાતે
 એને અવતારવા નહીં બેસું 
   ધારણાનો વિષય નથી શ્રદ્ધા 
  હું કશું ધારવા નહીં બેસું
  આજ વેશે હું 'રાજ' ત્યાં આવીશ
   જાત શણગારવા નહીં બેસું !

                           (2) 
શ્વાસનો છંદ સહેજ  તૂટે છે
આ હવામાં કશુંક ખૂટે છે
નોખી નોખી ઢબે લખી લોકો
એકનું એક નામ ઘૂંટે છે
મયકદા એનું બાગની વચ્ચે
મયકશો બેઉ રંગ લૂંટે છે
પકડી પકડીને પાય છે ત્યાં પણ
સ્વર્ગમાં ક્યાં શરાબ છૂટે છે?
થાય છે મન પ્રથમ તો ઊડવાનું
એ પછી 'રાજ' પાંખ ફૂટે છે




Friday, January 14, 2011

ઝૂકી શકતો નથી... વીરેન્દ્ર આચાર્ય

વાત લીધેલી મૂકી શકતો નથી હું,
એ ગમે તે હો ઝૂકી શકતો નથી હું.
લાગણીની તું કબર ખોદી શકે પણ,
ધૂળ એ પરની ફૂંકી શકતો નથી હું.
તું દિલાસો દઈને ગુસ્તાખી કરે છે,
કોઈપણ રીતે ડૂકી શકતો નથી હું.
હું સમયની ક્યાં કદી પરવા કરું પણ,
ધ્યેય ધારેલું ચૂકી શકતો નથી હું.
શીશ ઉન્નત છે ગઝલના ગર્વથી આ,
એટલે જ્યાં ત્યાં ઝૂકી શકતો નથી હું.