Friday, June 17, 2011

સલામ, સબકો સલામ ! :- મંગેશ પાડગાંવકર (અનુ. સુરેશ દલાલ)

સલામ, સબકો સલામ, જેના હાથમાં દંડો તેને સલામ, લાતના ભયથી ડાબો હાથ કૂલા પર રાખીને જમણે હાથે સલામ, જોનારને સલામ, ન જોનારને સલામ, વેચાતું લેનારને સલામ, વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ, સલામ ભાઈ સબકો સલામ.   ડોળા કાઢેલી દરેક આંખને સલામ, સિંદૂર થાપેલા દગડને સ...લામ, લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ, દેવાલયના દેવીની ધાકને સલામ, દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ, ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભુવાને સલામ, હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ, શનિને સલામ, મંગળને સલામ, ભીતિના પ્રત્યેક કૉન્ટ્રૅક્ટટરને સલામ, મા પર જિંદગીભર ધૂરકનાર બાપને સલામ, બાપા પર ધૂરકતા સાહેબને સલામ, સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ.   જેના હાથમાં અખબાર તેને સલામ, ભાષણોનો, સભાઓનો ફોટા સાથે રિપોર્ટ કરે તેને સલામ, અખબારના માલિકને સલામ, તેની નથ પકડનાર રાજ્યકર્તાઓને સલામ, જેની સામે માઇક્રોફોન તેને સલામ, તેમાંથી થંભ્યા વિના બોલનારને સલામ, લાખોની ગિરદીને સલામ, ગિરદીને ડોલાવનારને જાદુગરને સલામ, નાકા પરના દાદાને સલામ, હાથભઠ્ઠીવાળાને સલામ, સ્મગલરને સલામ, મટકાવાળાને સલામ, તેમણે આપેલા હપતાને સલામ, લોકશાહીને સલામ, ઠોકશાહીને સલામ, સત્તાની ટ્રક ચલાવનારને સલામ, ટ્રક નીચે ચગદાયેલાં અળસિયાંને અને કુત્તાઓને સલામ, જેના હાથમાં ચાકુ તેને સલામ, વિમાનમાંથી બૉમ્બ ફેકનારને સલામ, શસ્ત્રાસ્ત્રના પ્રચંડ વેપારીઓને સલામ, કાળાબજારિયાઓને સલામ, તેને ફાંસી દેવાની ઘોષણા કરનારઓને સલામ, ગટરના પાણીથી ઇન્જેકક્ષન ભરનારને સલામ, ઠાઠડીનો સામાન વેચનારને સલામ, ઠાઠડી ઊંચકનાર ખભાઓને સલામ, મોત સસ્તું કરનારા સર્વને સલામ.   દરને સલામ દરના ઉંદરને સલામ, ઘરના વાંદાઓને સલામ, ખાટલાના માંકડોને સલામ, દરારવાળી ભીંતોને સલામ, કંતાયેલી પત્નીને સલામ, દોઢ ખોલીમાં છૈયાંછોરાંને સલામ, ગાડીમાં ચગદાતી ગિરદીને સલામ, સડેલા ધાનને સલામ, કાણા પડેલા પીળાં ગંજીફરાકને સલામ, ધંધાના માલિકને સલામ, યુનિયનના લીડરને સલામ, હડતાલને સલામ, ઉપવાસને સલામ, સર્વ રંગના સર્વ ઝંડાઓને સલામ, ચાલીચાલીના ભરાયેલા સંડાસના લીંડાઓને સલામ, ડોક પકડનાર પ્રત્યેક હાથને સલામ. આ મારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશને સલામ, આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ, સર્વ ઉસ્તાદી ઘોષણાને સલામ, જાતિભેદના ઉકરડાને સલામ, આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ, ઉપનિષદો અને વેદોને સલામ, સાકર-કારખાનાંના દાદાઓને સલામ, તેમની સેંકડો લોરીને સલામ, ચૂંટણીને સલામ, ચૂંટણીફંડને સલામ, અદ્રશ્ય મુક્કાને સલામ, મતના આંધળા સિક્કાને સલામ, સસલું હાથમાં હોય એવા પારધીને સલામ, તેની તહેનાતમાં રહેલા ભાડૂતી સૈનિકને સલામ, હરિજનો પર અત્યાચાર કરનારાઓને સલામ, આ બાતમી વાંચનાર સર્વ ષંઢોને સલામ.   સત્તા સંપતિના ભડવાનો દેશ કહું, તો માથું ફોડી નાખશે, હલકટ લાચારોનો દેશ કહું, તો રસ્તા પર ઝૂડશે, ખરીદવામાં આવનારાઓનો દેશ કહું, તો રસ્તો રોકાશે. દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું તો નાકા પર પકડીને ઠોકશે, શોષણ કરનારાઓનો દેશ કહું, તો નોકરી પરથી કાઢશે, એટલે મારાં નપુંસકત્વને સલામ, પછી ઠોકી શકનાર પ્રત્યે હાથને સલામ, અને તે પછી અલબત્ત જ આ મારા પરમ પવિત્ર ઉદાત્ત સુમંગલ દેશને સલામ, આ દેશની મહાન પરંપરાને સલામ, સલામ, પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ. અનેક હાથ હોત તો, અનેક હાથથી કરી હોત સલામ, લેકિન માફ કરના ભાઈઓ હાથ તો બે જ અને તેમાનો ડાબો લાતના ભયથી રાખેલો કૂલા પર એટલે ફકત જમણા હાથે સલામ સલામ સબકો સલામ, ભાઈઓ ઔર બહેનો, સબકો સલામ.    

2 comments:

  1. બધાને સલામ. સલામને સલામ. કશું છોડ્યું
    નહી તેને સલામ.

    ReplyDelete
  2. સલામ ને છોડી ને ક્યાં જઈ શકે ?

    ReplyDelete