Saturday, April 9, 2011

છપ્પા - અખો ભગત


અખો ભગત :  (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ-છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ(ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈએટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણેઅખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદઅનેઅનુભવબિંદુજેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.



 તિલક  કરતાં  ત્રેપન વહ્યાં,  ને  જપમાળાનાં  નાકાં  ગયાં;
  તીરથ ફરી ફરી થાકયાં ચરણ
, તોય ન પહોંચ્યો હરિને શરણ;
  કથા
સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

  એક મૂરખને એવી ટેવ
, પથ્થર એટલા પૂજે દેવ;
  પાણી દેખી કરે સ્નાન
, તુલસી દેખી તોડે પાન;
  તે તો અખા બહુ ઉત્પાત
, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

  જો જો રે મોટાના બોલ
, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
  અંધ અંધ અંધારે મળ્યા
, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
  ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી
, કહે અખો એ વાતો અમે જાણી.

 (ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી       બી   પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )

દેહાભિમાન હૂતો પાશેર
, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો
, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય
, આત્મજ્ઞાન મૂળગું ખોય.

(
પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )

સસાશિંગનું વહાણ જ કર્યું
, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા
ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા
, અખા હમણાં ને આગળ એવા હતા.

(
સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)

આંધળો સસરો ને સરંગટ વહુ
, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું
, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક
, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.

(
સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )
 

Thursday, April 7, 2011

પાણીનો આ ગોળો : કવિશ્રી મીનપિયાસી


   પાણીનો આ ગોળો  
   સાવ ભલો ને ભોળો !
                    પાણીનો આ ગોળો.
   જ્યાં બેસાડો ત્યાં બેસી રાગે - જાણે માનો ખોળો !
   રાતોમાતો થાતો જાતો, નહિ ફિક્કો કે ધોળો :
   ફૂલ્યોફાલ્યો નહિ સમાતો પેટે સાગર- પહોળો;
                                           પાણીનો આ ગોળો.
   માથે એને મુકુટ સુનેરી, ઉપર શોભે કળશ રૂપેરી,
   પાણી લેતાં રણકી ઊઠે, ગાજી ઊઠે ઘર ને શેરી,
   છલકી ઊઠે છોલ્યો,  એને  હૈયે  ચડે  હિલોળો;
                                
             પાણીનો આ ગોળો.
   અમી ભરેલું અંતર એનું અણુ  અણુમાં  ઝમતું,
   વાયુ-લહરનું  ટોળું એને ઝીલવા ફરતું રમતું,
   ભરી ભરીને પીઓ પિયાલા, શીદ નકામું ઢોળો?
                                   
         પાણીનો આ ગોળો. 
   પાણીપોચો ખૂબ  ટિપાયો,  જીવનચાકે  ઘાટ  ઘડાયો,
   ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકાયો, 
   પાકેલા એ આપવિતીના અનુભવે છે બહોળો

Saturday, March 19, 2011

રંગ પર્વ - તરૂણ જાની


   


 આજ આવી છે ધૂળેટી રંગ છાંટે
પર્વ આ મૈત્રી તણું લે રંગ છાંટે

લાલ લીલો વાદળી એ રંગ છાંટે
વાયરાની સંગ ભીનો રંગ છાંટે

લોક ટોળે જો  મળે  ને રંગ  છાંટે
માનવી ભીતર છલકતો રંગ છાંટે

ભીંજવું હું એમ કેતો રંગ છાંટે
ખુદ ભીંજાતો રહે ને રંગ છાંટે

રોળતો ભેરુ બનીને રંગ છાંટે
ચોળતો ગુલાલ મોઢે રંગ છાંટે

છે પરાયો તોય પાછો રંગ છાંટે
થાય ભેરુ ને પછી તો રંગ છાંટે

વાટ જોતો પ્રીતની ને રંગ છાંટે
ભાળતો એવો બહેકે રંગ છાંટે

પિચકારી લઇ ભરીને રંગ છાંટે
કાન રાધા થઇ હવે જો રંગ છાંટે

કેસુડે  જોને  મહેકે  રંગ છાંટે
ભવ તણો એ સંગ ભીંજે રંગ છાંટે




Saturday, March 12, 2011

૧૦ - મોનોઇમેજ -રક્ષિત દવે

 
૧.
આજે કેટલાય 
સમદુઃખીયા
સમસુખીયા બની
કરે છે ઉજાણી
વૃદ્ધાશ્રમે !
  
૨.
એકનાએક
દેવના દીધેલને
મહેલોની આશિષ
દે છે
માં-બાપ
રહીને
વૃદ્ધાશ્રમે !
 
૩.
જીવવું તો
ખુમારીથી
એથી જ તો
બધું છોડી
આવી ગયા
અમે
વૃદ્ધાશ્રમે !
 
૪.
મળવું છે 
ખરેખર
તમારે
દાદા-દાદીને ?
તો
જાઓ
વૃદ્ધાશ્રમે !
 
૫.
મ્હારા
દાદા-દાદી ક્યાં ?
પૂછ્યું પપ્પાને
તો
જવાબ દીધો
પડોશીએ
વૃદ્ધાશ્રમે !
 
૬.
પુત્ર પ્રાપ્તિની
ખેવના
ક્યાંયે
જોવા ન મળી
વૃદ્ધાશ્રમે !
 
૭.
શું કરીશ બેટા !
થઈને મોટો ?
જવાબ મળ્યો
મૂકી આવીશ
દાદા-દાદીની જેમ
તમને
વૃદ્ધાશ્રમે !
૮.
ઘર વિહોણા
ઘરથી પણ સારું
જીવી રહ્યાં છે
વૃદ્ધાશ્રમે !
૯.
એ તો 
મકાન હતું
હવે
કૈંક
લાગે છે
"ઘર" જેવું
વૃદ્ધાશ્રમે !
 
૧૦.
ગૃહે
જે અપેક્ષાઓ
પૂરી થઇ ના શકી
તે
સઘળી
પૂરી થઇ રહી છે
વૃદ્ધાશ્રમે !




Sunday, March 6, 2011

પ્રેમ પથ....! - પંકજ ત્રિવેદી

 
હું જાણું છું -
                                                  તું નહીં દોડી શકે મારી સાથે
મારો ઉત્સાહ, રોમાંચ અને મારાં
તોફાનો....
તું ભલે ને દૂર રહે જોજનો
મારાં પ્રેમમાં રહેલી નિર્દંભતા,
નિર્દોષતા ને નિર્ભેળતા
હું ચાહું તને મુગ્ધભાવે, પાગલ બની
પ્રેમવશ સ્પર્શું તને !
તું ક્ષોભવશ
ચાહ્યાં કરે મૌન બની, ધીરજ ધારી
વાત્સલ્યની મૂર્તિ બની...
આપનો માર્ગ એક જ આ
પ્રેમ પથ ......



Friday, March 4, 2011

ચાલ ફરીને મળીએ - પુનિત રાવલ

 
ચાલ ફરીને મળીએ,
ખોબે ખોબે જળ ઉલેચી મન સાગરના તળિયે.....ચાલ ફરીને મળીએ.
ખુલ્લી આંખે,
ખુલ્લી પાંખે,
ક્યાં દેખાયું, ક્યાં પહોંચાયું , હજુએ ક્યાં સમજાયું,
લડતા રહીને,
પડતા રહીને,
તરફડતી આ જાત યુગોથી શાને ? હજુએ ક્યાં સમજાયું.
હવે અનુભવ કેવળ દર્પણ, ત્યાં જઈને ઝળહળીએ......ચાલ ફરીને મળીએ.
રોજ વરસતા,
રોજ તરસતા,
હોઠપણાનું પોકળ ઊંચકી જાત પલળવા ઝંખે,
સોળ વરસના,
સોળ તરસના,
ઢોલપણાનું વાદળ ઊંચકી જાત ધબકવા ઝંખે,
શક્ય હશે તો આજ પલળશું, કાલ ધબકશું, એકમેકને ફળીએ....ચાલ ફરીને મળીએ.